પાઠ – 32

ધન્ય છે!

મધર ટેરેસાનું નામ બધા ભારતીયો જ જાણે છે એવું નથી. એમને આખી દુનિયા ઓળખે છે. યૂરોપના અલ્બેનિયા નામના દેશમાંથી આવીને ભારતના કલકત્તા શહેરને એમણે પોતાની કર્મભૂમિ બનાવી. અસંખ્ય નિરાધાર બાળકોની તેઓ મા બન્યાં એટલે મધર ટેરેસા નામથી પ્રખ્યાત બન્યાં.

એક વાર એક યુવાન મધરને મળવા આવ્યો. એમની સંસ્થાને કશુંક આપવા માટે આવ્યો હતો. મધરની સંસ્થાને અનેક ધનવાનો દાન આપતા હતા. આ યુવાનને જોનારને લાગે કે આ દાન આપવા આવ્યો છે કે પછી કોઈ મદદ લેવા આવ્યો છે? દાન આપવા આવેલ અનેક ધનવાન વ્યક્તિ હતી. પણ મધર પહેલાં આ યુવક પાસે આવ્યાં.

યુવાને મધરને જોયાં અને એ ગળગળો થઈ ગયો. એની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યાં. કરુણામૂર્તિ મધરને મળવાથી એ ભાવવિભોર થઈ ગયો અને કશું બોલી ન શક્યો. એના હાથમાં થોડા રૂપિયા હતા જે એણે મધરના હાથમાં મૂક્યા અને એમને પગે લાગ્યો. મધરે ઘણું પૂછ્યું ત્યારે એ સ્વસ્થ થઈને બોલ્યો,

“મધર, હું ઘણા વર્ષોથી નોકરી શોધતો હતો. નોકરી મળે એટલે પહેલો પગાર તમારા સેવાકાર્યને આપવાનું નક્કી કર્યું હતું.”

મધરે કહ્યું, “ભાઈ, માંડમાંડ તારા હાથમાં આટલા રૂપિયા આવ્યા છે. તેં તારા ઘરમાં પૂછ્યું છે?“

યુવાને જવાબ આપ્યો, “મધર, મારી માને કહીને જ અહીં આવ્યો છું. મારી બહેનોની સંમતિ લીધી છે. આ રૂપિયા તમે નહીં લો તો બધાં દુઃખી થશે. અમે બધાંએ ઘણાં વર્ષો તકલીફમાં વીતાવ્યાં છે, એક મહિનો વધારે!”

મધરની આંખમાં પણ પાણી આવ્યાં. એમણે પ્રેમથી એ રુપિયા લીધા અને યુવાનના કુટુંબને શુભેચ્છાઓ આપી. એમણે યુવાનના કુટુંબને આશ્રમની મુલાકાતે આવવાનું નિમંત્રણ આપ્યું.

એ પ્રસંગ પછી એ યુવાન અને એના કુટુંબનાં સભ્યો આશ્રમમાં આવતાં રહ્યાં અને સેવાકાર્યમાં પોતાનું યોગદાન આપ્યું.

ધન્ય છે મધર ટેરેસા! ધન્ય છે એ ગરીબ યુવાન!


શબ્દકોશઃ
કર્મભૂમિ = પોતાના કાર્યનું સ્થળ, પ્રખ્યાત = જાણીતું, ઘણા લોકો જાણે તેવું, ગળગળા થવું = લાગણીથી ગળું ભરાઈ આવવું અને કશું બોલી ન શકવું, સ્વસ્થ = શાંત, માંડમાંડ = ઘણા પ્રયત્નો બાદ, ઘણી મુશ્કેલીથી, નિમંત્રણ = બોલાવવું તે, (Invitation), યોગદાન = ફાળો, (contribution), પ્રસંગ = ઘટના, (event), ધન્ય = praiseworthy, well done!