પાઠ – 33

વાંચો અને સમજોઃ

વીસ રૂપિયાની ભેટ

26મી જાન્યુઆરી 2001ના આવેલ ભયંકર ભૂકંપમાં અમારી શાળાના બે ઓરડા લગભગ પડી ગયા. આ ઓરડાઓને રીપેર કરાવવા દરખાસ્તો થઈ પણ પરિણામ શૂન્ય આવ્યું. ઓરડાઓ રીપેરિંગને બદલે પાડી નાખવાની દરખાસ્ત કરી. કારણ કે એની જર્જરિત દીવાલો ગમે ત્યારે અકસ્માત સર્જે તેમ હતી. આ બન્ને ઓરડા ન રીપેર થયા, ન પાડવાની મંજૂરી મળી! હવે શું કરવું? મારા મનમાં મોટો સવાલ ઊભો થયો. શાળાનાં બાળકોને બેસાડવાં ક્યાં? અને એમને આ ખંડેર રૂમથી દૂર રાખવાં કેવી રીતે?

દરખાસ્તોના કાગળો લખીને હું કંટાળી ગયો. ત્રણ વર્ષ પૂરાં થયાં. દિવસ-રાત મારા મનમાં મારી શાળાનાં બાળકો જ દેખાતાં હતાં. મેં પાકો નિર્ધાર કર્યો કે ગમે તેમ પણ મારે આ ઓરડા ઊભા કરવા જ છે!

એક દિવસ રાત્રીને સમયે મેં ગામના લોકોને શાળામાં બોલાવ્યા. મેં એમને પરિસ્થિતિ સમજાવી. અને કહ્યું કે આપણાં બાળકો માટે આપણે નહીં કરીએ તો કોણ મદદ કરશે? સરકાર તરફથી ખાસ ગ્રાન્ટ તરીકે રૂપિયા પંદર હજાર મળશે. બાકીના આપણે ભેગા કરવા પડશે. ગામજનોમાં થોડી ચણભણ અને ચર્ચા થઈ. છેલ્લે સાત હજારનો ફાળો થયો.

આ ગામજનો વચ્ચે મથુરભાઈ બેઠેલા હતા. એ બોલ્યા, “સાહેબ, ભગવાન તમારું ભલું કરશે. તમે નક્કી કર્યું છે એટલે ભગવાન તમારી ભેરે આવશે.”

પછીના દિવસો દરમિયાન આ મથુરભાઈ બે-ત્રણ દિવસ શાળામાં મારી પાસે આવતા અને આડીઅવળી વાતો કરતા. એક દિવસ અચકાતાં બોલ્યા, હું તમારી પાસે બે-ત્રણ વાર આવી ગયો. મને કહેતાં થોડી શરમ આવતી હતી. મારે આ ઓરડા ચણવામાં વીસ રૂપિયા આપવા છે. આપી શકું? મથુરભાઈ સાવ ગરીબ પણ એમને પોતાનો ફાળો આપવો હતો. મને ખૂબ ગમ્યું. મેં એમને કહ્યું, “મથુરભાઈ, આ તમારા વીસ રૂપિયા વીસ હજાર જેવા છે. તમારી ભાવના મહત્ત્વની છે અને તમારા આશીર્વાદ છે એટલે ચોક્કસ કામ પૂર્ થશે.”

ગામમાંથી ફાળો ભેગો થતો ગયો અને ઓરડા પણ ઊભા થયા. પૈસા મહત્ત્વના છે એના કરતાં એની પાછળની ભાવના મહત્ત્વની છે. એ ન હોય તો કશું ન થાય.


શબ્દકોશઃ
ભયંકર = terrible, દરખાસ્તો = proposals, જર્જરિત = old, dilapidated, અકસ્માત સર્જે = may cause an accident, કંટાળવું = get bored, get tired of, પરિસ્થિતિ = situation, ચણભણ = wisper, ભેરે આવશે = will be with, આડીઅવળી વાતો = pointless talk, અચકાતા = hesitatingly, ભાવના = feelings આશીર્વાદ = blessings ફાળો = contribution, મહત્ત્વ = importance.