નીચેનો ફકરો વાંચો અને પ્રશ્નોના જવાબ આપોઃ
એક રાજા હતો. એનો હોશિયાર પ્રધાન મરી ગયો. એની જગ્યાએ બીજી વ્યક્તિને નીમવા માટે એ શોધ કરવા લાગ્યો. ખૂબ વિચાર કરીને એણે નક્કી કર્યું કે મારો પ્રધાન હિંમતવાળો, ચાલાક અને હોશિયાર હોવો જોઈએ. પણ આ ત્રણ ગુણ માપવા કેવી રીતે?
રાજાએ એક મોટું, ભારે બારણું બનાવ્યું. એક ઓરડાની આગળ મુકાવ્યું. પછી જે દરબારીઓ પ્રધાન થવા ઇચ્છતા હતા તે સૌને બોલાવ્યા. અને કીધું કે આ તોતિંગ બારણું જોયું? જે કોઈ પોતાની શક્તિ અને અક્કલથી આ બારણું ખોલે તેને પ્રધાન બનાવવા માગું છું.
મોટા ભાગના દરબારીઓ તો એ તોતિંગ દરવાજો જોઈને જ ડઘાઈ ગયા હતા. કોઈએ કીધું કે “ આવો તોતિંગ દરવાજો એકલા માણસથી કેવી રીતે ખુલે?”
બીજાએ કહ્યું કે “આ બારણું ખોલવા માટે બે-ત્રણ કુશળ કારીગરો જ જોઈએ. જેમણે આ બનાવ્યો હોય તે જ ખોલી શકે. આપણું કામ નહીં.”
અમુક દરબારી બારણાની નજીક ગયા પણ ખોલવાની હિંમત ન કરી શક્યા. ખોલવા જઈએ અને ન ખોલાય તો બધા હાંસી ઉડાવશે. જવા દો. રાજા થોડો નિરાશ થયો. પણ થોડીવાર પછી એક યુવાન દરબારી એ બારણા પાસે ગયો. એણે આંગળીઓ અને હાથ ફેરવીને દરવાજાની કળનું નિરીક્ષણ કર્યું. બધું બરાબર જોઈને એણે એક જ ધક્કો માર્યો ને દરવાજો ખૂલી ગયો. બધાને ખ્યાલ આવ્યો કે રાજાએ બારણું બંધ જ નહોતું કર્યું. બધાને મનમાં વસવસો રહી ગયો. અરેરે! સહેજ ધક્કો માર્યો હોત તો ખૂલી ગયું હોત.
રાજાએ એ યુવાન દરબારીની પીઠ થાબડી અને કહ્યું,”આજથી તું મારા રાજ્યનો પ્રધાન. તેં સાભળેલી વાતો પર વિશ્વાસ ન મૂક્યો. અને જાતે જઈને બધી તપાસ કરી. તારી પાસે બુદ્ધિ અને હિંમત બન્ને છે. માટે તું પ્રધાન બનાવાને લાયક છો.
શબ્દકોશઃ
પ્રધાન = chief, minister, તોતિંગ = gigantic, દરબારી = person in the royal court, કળ = door handle, latch, નિરીક્ષણ = observation, ખ્યાલ આવવો = to come to know, પીઠ થાબડવી = to congratulate.
1) નીચેના પ્રશ્નોનો જવાબ આપોઃ
1.1. રાજાને પ્રધાન તરીકે કેવી વ્યક્તિ જોઈતી હતી? |
1.2. રાજાએ મોટું બારણું શા માટે બનાવ્યું? |
1.3. તોતિંગ દરવાજો જોઈને દરબારીઓને શું થયું? |
1.4. દરબારીઓ દરવાજો ખોલી શક્યા? |
1.5. દરવાજો ખોલનાર વ્યક્તિ યુવાન હતી કે વૃદ્ધ? |
2) નીચેનાં અંગ્રેજી વાક્યો કયાં વાક્યોનું ભાષાંતર છે તે શોધોઃ
2.1. How to test the three virtues? |
2.2. I want to appoint the person as chief minister who can open this door with his intelligence and power. |
2.3. The king was disappointed. |
2.4. If we had pushed the door a little it would have opened. |
2.5. From to-day you are my chief minister. |
Answers:
1)
1.1. રાજાને હિંમતવાન, ચાલાક અને હોશિયાર પ્રધાન જોઈતો હતો. |
1.2. પ્રધાન બનવા ઇચ્છતા લોકોની કસોટી લેવા માટે રાજાએ મોટું બારણું બનાવ્યું. |
1.3. તોતિંગ દરવાજો જોઈને દરબારીઓ ડઘાઈ ગયા. |
1.4. દરબારીઓ દરવાજો ખોલી ન શક્યા. |
1.5. દરવાજો ખોલનાર વ્યક્તિ યુવાન હતી. |
2)
2.1. આ ત્રણ ગુણ માપવા કેવી રીતે? |
2.2. મારા પ્રધાન હિંમતવાળો, ચાલાક અને હોશિયાર હોવો જોઈએ. |
2.3. રાજા નિરાશ થયો. |
2.4. સહેજ ધક્કો માર્યો હોત તો દરવાજો ખૂલી ગયો હોત. |
2.5. આજથી તું મારા રાજ્યનો પ્રધાન. |