પાઠ – 25

નીચેનો ફકરો વાંચો અને પ્રશ્નોના જવાબ આપોઃ

મૌનનો સમય

તમારી પાસે કોઈક વખત પાંચેક મિનિટનો સમય છે? તમને ખબર છે તમારે શું કરવું જોઈએ? સહેજ વિચારો !

તમારી આસપાસ મૌન પથરાઈ જાય એવું કંઈક કરી લો. તમે રેડિયો અને સ્ટીરિયો બંધ કરી દો. ટી.વી. અને પ્રકાશની ઝાકઝમાળ બધું જ બંધ કરી દો. બંધ કરી દો પુસ્તકો, અખબારો અનો સામયિકો. આપણાં ભૌતિક સુખોની નાગચૂડમાંથી મુક્ત થઈ જાઓ. ભય પમાડે એવી જળોની જેમ આ સમાજ તમને વળગ્યો છે અને એ તમારી રહીસહી સ્વતંત્રતા અને તમારા આત્માને ચૂસી લે છે આ હીન સાધનોથી.

તો તમે તમારી આસપાસની તમામ વસ્તઓને ચૂપ કરી દો. તમારી ભીતર પણ નીરવતાને ઠરવા દો. તમે તમને પણ પામો. તમારે એ પણ જાણી લેવું જોઈએ કે તમે ખરેખર જીવો છો ખરા? કે પછી તમે મોજશોખની વસ્તુઓમાં, પૈસા બનાવવાની દોડધામમાં, ખરીદીમાં, ભોગવવામાં, નફાખોરીમાં અને કશુંક હાંસલ કરવાની લાયમાં લપટાયા છો?

પારાવાર પરિષદોમાં તમે બોલબોલ કર્યા કરો છો, વિરોધ નોંધાવો છો. વિશ્વના ગરીબોને તમારા શબ્દોથી, તમારી ધારદાર દલીલોથી, તમારા વિરોધી સૂરોથી કે અનેક ઠરાવોથી કશુંયે કરી શકતા નથી. આ બધાથી એ લોકો થાકી ગયા છે, કારણ કે તેઓની પાસે જે નથી એવી તમામ વૈભવી ચીજોના ભાર નીચે તમે ખુદ કચડાઈ રહ્યા છો. તમારું ભોગવિલાસનું અકરાંતિયાપણું ઓછું થાય અને એનો ભાવ અને તાવ ઊતરી જાય તો જ એ લોકો તમને ગંભીરતાથી સ્વીકારશે. તમારો તમામ વસ્તુનો ઓહિયાં કરી જતો તાવ ઉતારવાનો ઇલાજ મારી પાસે છે : એ છે સંયમ, પોતાની બાદબાકી અને સમર્પણ !


શબ્દકોશઃ
પથરાઈ જવું = to spread around, ઝાકઝમાળ = brightness, સામયિક = a periodical, magazine, નાગચૂડ = firm grip (literally grip of a cobra), જળો = leech, વળગવું = to cling, રહીસહી = remaining, ચૂસવું = to suck, નીરવતા = silence, ઠરવું = to get set, to be stable, મોજશોખ = worldly pleasures, હાંસલ કરવું = to achieve, લાય = intense desire, પારાવાર = endless, ધારદાર દલીલો = sharp arguments, વિરોધી સૂર = Opposing voice, ભોગવિલાસ = enjoyment, ઠરાવ = resolution, અકરાંતિયાપણું = voraciousness, ઓહિયાં કરવું = to belching, to eat up, to comsume, તાવ = fever, ઇલાજ = treatment, સંયમ = control, સમર્પણ = offering, surrender everything.


1) પ્રશ્નોઃ

1. લેખક આપણી પાસે કેટલો સમય માગે છે?
2. આપણે શેની નાગચૂડમાં ફસાયા છીએ?
3. આપણે કઈ કઈ વસ્તુઓને મેળવવા પ્રયત્ન કરીએ છીએ?
4. સૌના સુખના કયો ઉપાય લેખક બતાવે છે?

2) નીચેનાં વાક્યોનું ભાષાંતર કરોઃ

1.તમારે શું કરવું જોઈએ?
2.તમારી આસપાસની તમામ વસ્તુઓને ચૂપ કરી દો.
3.એ લોકો શબ્દોથી થાકી ગયા છે.

3) નીચેના સમાનાર્થક (synonyms) શબ્દોને યાદ રાખોઃ

વખત – સમય તમામ – બધું ચીજ – વસ્તુ નીરવતા – શાંતિ
વિશ્વ – દુનિયા મુક્ત થવું – છૂટવું ખુદ – પોતે પામવું – મેળવવું


Answers:

1)

1. લેખક આપણી પાસે પાંચ મિનિટનો સમય માગે છે.
2. આપણે ભૌતિક સુખોની નાગચૂડમાં ફસાયા છીએ.
3. આપણે પૈસો, મોજશોખની વસ્તુઓ મેળવવાના પ્રયત્ન કરીએ છીએ.
4. સૌના સુખનો ઉપાય છે સંયમ.

2)

1. What you should do?
2. Silence all things around you.
3. The people are tired of words.